ફાતિમાના દેવાલય, વોશિંગટન, ન્યુ જર્સી, જાત્રાધામની મુલાકાતનો અહેવાલ

ફાતિમાના દેવાલય, વોશિંગટન, ન્યુ જર્સી, જાત્રાધામની મુલાકાતનો અહેવાલ

           

            મે મહિનો પવિત્ર મારિયાના મહિમાનો મહિનો હોવાથી તારીખ 12/5/2013ના રોજ મધર્સ ડેના દિવસે “ગુજરાત કેથલિક સમાજ ઓફ યુએસએ”  દ્વારા ફાતિમાના દેવાલય, વોશિંગટન ટાઉનશીપ , ન્યુ જર્સીના જાત્રધામની મુલાકાતનું આયોજન કર્યું હતું.

(નોંધ: મૂળતો આ જાત્રધામની મુલાકાત તા 28/10/2012 ના રોજ કરવાની હતી પણ સેન્ડી વાવાઝોડાની આગાહી હોવાથી સાવચેતીની રૂપે રદ કરેલ હતી).

તારીખ 13/5/1917એ પોર્ટુગલ ખાતે ફાતિમા મુકામે, મા મરિયમે દર્શન દીધેલા તેની 96મી વર્ષગાંઠ હોવાથી વિશેષ ઉજવણીના ભાગ રૂપે સમાજના કુલ મળીને 45 જેટલા સભ્યોએ (15 કુટુંબો, બાળકો સાથે) ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારના 11થી 11:30 સુધીમાં પ્રવાસી સભ્યો પોતપોતાના વાહનો દ્વારા વર્લ્ડ અપોસ્તલેટ  ઓફ ફાતિમા, બ્લુ આર્મી તીર્થમંદિર , 674 માઉન્ટન  વ્યુ રોડ ઇસ્ટ વોશિંગટન ટાઉનશીપ, ન્યુ જર્સી ખાતે હાજર થઇ ગયા હતા. હવામાન એકંદરે ખુશનુમા હતું  પણ ક્યારેક પવનના સુસવાટાથી ઠંડીનો ચમકારો વર્તાતો હતો.

ફાતીમાનું અમેરિકા ખાતેનું ફાતિમા જાત્રધામ ન્યુ જર્સીમાં,  ન્યુયોર્ક સીટીની પશ્ચિમમાં લગભગ 70 માઈલના અંતેરે ખાસી ઉચાઈ પર 150 એકરના વિશાળ નયનરમ્ય ક્ષેત્રમાં પથરાયેલું છે. આ જાત્રાધામમાં નીચેના ભાગમાં આધ્યાત્મિક કસરતનું કેન્દ્ર (Retreat House), તીર્થ મંદિર (Shrine), દેવઘર (Chapel), ઉપર 1400 બેઠકોવાળું ખુલ્લું શાંતિધામ (Sanctuary) અને અનેક બગીચાઓથી સજ્જ છે ઉદ્યાનોમાં  ઠેર ઠેર પવિત્ર મારિયા, ક્રૂસ, સંતો, સુધન્ય યોહન પાઉલ બીજાના મોટા કદના પુતળાં કે પ્રતિકૃતિઓ છે ખુલ્લા શાંતિધામ ની ટોચે ફાતિમાના વિશાળ કદનાં પવિત્ર મારિયા આપણ સર્વેને આવકારવા હંમેશા તૈયાર છે આધ્યાત્મિક કસરત કેન્દ્રમાં ક્રૂસના માર્ગની ભક્તિનાં ચૌદ વિશાળ સ્થાનો અને પવિત્ર ગુલાબ માળાની ભક્તિની મર્મોનાં 20 સ્થાનો જંગલ જેવા વિસ્તારમાં ખુબજ ગાઢી ઝાડીઓમાં પગદંડીના રસ્તા પર ઉડીને આંખે વળગે તેવાં છે.

શરૂઆતમાં 11:30 વાગે જાહેરમાં પવિત્ર ગુલાબ માળાની ભક્તિનું આયોજન ઉપરના ખુલ્લા શાંતિધામમાં હતું. તેમાં સહુ વૈભવનાં મર્મો માં ભક્તિભાવ પૂર્વક જોડાયા દરેક મર્મો પછી ગવાતું “આવે આવે મારિયા” વિશેષતમ લાગ્યું. અમ સર્વને અત્રે ગુલાબ માળા બોલવાનો દિવ્ય અનુભવ થયો અને પવિત્ર મારિયાની પ્રાર્થનમાળામાં તરબોળ થયા. ત્યારપછી તરત જ ખ્રિસ્તયજ્ઞ શરુ થયો. આમ તો આ સ્થળના ફાધર એન્ડ્રુ જ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરે છે પણ તેમની નાદુરસ્ત તબિયત (તેઓ ઊંચે ચઢી શકતા નથી)ના લીધે આ ખ્રિસ્તયજ્ઞની જવાબદારી ફા હેકટરે સંભાળી હતી. તેઓ મૂળ મેકસીકન, તેથી અંગ્રેજી/સ્પેનીશમાં આખો ખ્રિસ્તયજ્ઞ પૂરો કર્યો. તેમના બોધમાં તેમણે પવિત્ર મારીયાની ભક્તિ પ્રત્યે વિશેષ ભાર મૂક્યો  અને આપણી સઘળી ચિંતાઓ, આકાંક્ષાઓ માના ચરણે ધરવાનો અનુરોધ કર્યો. આ ખ્રિસ્તયજ્ઞમાં એટલા બધા શ્રધાળુઓ હાજર હતા કે ખ્રિસ્તપ્રસાદ જ ખૂટી ગયો!

આમ બપોરના દોઢ થવા આવેલો અને કક્ડીને ભૂખ લાગી હતી. જમવાની બેઠક વ્યવસ્થા કેન્દ્ર પરના  પીકનીક ટેબલો પર હતી. દરેક જણ ઘરેથી લાવેલા ખોરાક: રોટલી-શાક, પૂરી-શાક, મરચાં, અથાણું, ખમણ, ઢેબરાં, બિરિયાની, અને ચીકનની વાનગીઓ તથા શીખંડને પૂરતો ન્યાય આપી તૃપ્ત થયા.

જમણવાર બાદ તીર્થ મંદિરની ટોચે ફાતિમાના મા મરીઅમનું વિશાળ કદનું પુતળું છે તે પશ્ચાદ ભૂમિકામાં આવે તે રીતે જુદા જુદા સમૂહોમાં-બાળકો, વડીલો,  કુટુંબીજનો,  ભાઈઓ, બેનો વગેરેના સમુહમાં ફોટો ફંકશન કર્યું.

ત્યારબાદ શ્રી શાંતિલાલ પરમારે સર્વેને મે મહિનાની ભક્તિમાં દોર્યા. શરૂઆતમાં ફાતિમા દર્શનની વિગતવાર માહિતી આપવામાં આવી. તા.13/5/1917ના રોજ  ફાતિમા, પોર્ટુગલ ખાતે ઘેટાં ચારતા ત્રણ નાના બાળકો:લુસિયા, જાસીન્તા અને ફ્રાન્સીસ્કોને પવિત્ર મારિયાએ દર્શન દીધાં અને ખાસ નરક અને શેતાનના જોરથી બચવા પ્રાર્થના, પશ્ચાતાપ, દમન, સંયમ  અને અપરીગ્રહ્તાની ભલામણ કરી. પ્રારંભમાં “સૌ ઘેર ઘેર માળા ગુલાબની જપાય, દઈને દર્શનીયા નિર્મલ મરિયમે, ફાતિમા લુંર્ડ્સ સમા સુંદર ધામે, આપ્યો સંદેશડો ત્યાંય” ભક્તિભાવે ભજન ગાયું. અસલ આપણી જૂની રીતે મે મહિનાની ભક્તિ અને જાપમાળા બોલી સહુ ભક્તિવિભોર થઇ ગયા.   ભક્તિની પૂર્ણાહુતીમાં માનનીય નીરુબેને “તારે દર્શને અમે આવ્યા મારી માવડી”નું સુંદર ભજન ગરબાની રીતે ગવડાવ્યું.

અંતે એકબીજાનો આભાર માની છૂટા પડવાની પ્રક્રિયા શરુ કરી. છેલ્લે ગીફ્ટશોપમાંથી યાદગીરી રૂપે રોઝરી, પુતળાં, છબીઓ, કી ચેન વગેરેની ખરીદી કરી બહાર નીકળ્યા. નીચેના તીર્થ મંદિરની ભરપૂર મુલાકાત ન લઇ શક્યા તેનો અફસોસ વ્યક્ત કર્યો કારણકે તે વખતે ત્યાં સાજાપણાનો ખ્રિસ્તયજ્ઞ શરુ થઇ ગયો હતો. અમુક કુટુંબોએ ઘર તરફ પ્રયાણ કર્યું તો બીજા ત્યાંના ઉદ્યાનોની ચાલતા ચાલતા મુલાકાત લઇ છેક આધ્યાત્મિક કેન્દ્ર સુધી પહોંચી ગયા. ઠેર ઠેર મૂકાએલી પ્રતિકૃતિઓ આગળ સર્વે કેમેરામાં કેદ થયા.

ઉપસંહાર :શ્રી અમિત મેકવાનના સૂચનથી ટટૂંક સમયમાં જ આપણે આ જાત્રાધામની મુલાકાત કરીને અમર્યાદિત શિક્ષામોચન(plenary indulgence :આ સાથે બીડેલ ફાઈલ જુવો) પ્રાપ્ત કર્યું છે તે ખુબ જ ગર્વની બાબત છે. અને ભવિષ્યમાં આ સ્થળની ફરીથી મુલાકાત કરવાનો સૂર ઊઠયો છે.

 

 

 

 

 

આ જાત્રાળુ પ્રવાસમાં નીચેના સભ્યો જોડાયા હતા;

 

1. શ્રી જોસેફ પરમાર (1)        6. શ્રી રાજ મેકવાન (5)         11. શ્રી અનિલભાઈ (પપ્પુ) (3)

2. શ્રી જગદીશ ક્રિશ્ચિયન (1)     7. શ્રી અમિત મેકવાન (4)       12. શ્રી શૈલેશભાઈ પરમાર (4)

3. શ્રી કેતન ક્રિશ્ચિયન (6)        8. નીલાક્ષીબેન  જાખરિયા (2)   13. શ્રીમતી જ્યોત્સનાબેન રાઠોડ (2)

4. શ્રી કલ્પેશ ક્રિશ્ચિયન (1)       9. શ્રી કિરીટ જાખરિયા (4)      14. મિસ. નેન્સી કેથોલિક (1)

5. શ્રી શાંતિલાલ પરમાર (3)   10. ડો મીના ક્રિશ્ચિયન (4)        15. શ્રી એરિક લિઓ (4)

 

હે ફાતિમાના પવિત્ર મારિયા, અમારે માટે વિનંતી કર!

Share Button

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *